શનિવાર, 30 ઑગસ્ટ, 2014

ગાય

એક જાતનાં વાગોળનારાં ચોપગાં પશુની માદા; જેને ગળે ગોદડી જેવી ચામડી લબડતી હોય એવી જાતના પશુની માદા; ધેનુ; ગૌ. ગાયના નરને ગોધો, આખલો, સાંઢ અને ખસી કરેલો હોય તો બળદ કહે છે આ પ્રાણી અને તેનાં છાણ મૂતર પવિત્ર ગણાય છે. ગાયની ગર્ભવાસની મુદત ૨૮૫ દિવસની છે અને આયુમર્યાદા ૨૫ વર્ષની મનાય છે. ગાયનો રંગ ધોળો, રાતો, કાળો કે મિશ્ર હોય છે. તેનાં બચ્ચાંને નર હોય તો વાછડો અને નારી હોય તો વાછડી કહેવાય છે. તેને બે શીંગડાં અને ચાર આંગળ હોય છે. ગાયને હિંદુઓ સર્વથી વધારે માન આપે છે, કેમકે બ્રહ્માએ બ્રાહ્મણ અને ગાયને એકી વખતે પેદા કર્યાનું, તેમાં બધા દેવનો વાસ હોવાનું અને વૈતરણી નદી ઓળંગવામાં તે સાધનરૂપ હોવાનું મનાય છે. તેના પંચગવ્ય પવિત્ર મનાય છે. તેનું પૂછડું પૂજાય છે. ગાયની જાત: ૧. સૌરાષ્ટ્રની ગીર, ૨. સિંધની સિંધી, ૩. માળવાની માળવી, ૪. નર્મદા નદી તરફની નિમારી, ૫. ગુજરાતની કાંકરેજ, ૬. પંજાબની શાહિવાલ, ૭. પંજાબની હરિયાણા, ૮. સીમા પ્રાંતની ધન્ની, ૯. સતારાની કિલ્લરી, ૧૦. મહારાષ્ટ્રની કૃષ્ણાખીણ, ૧૧. રજપૂતાનાની રાથ, ૧૨. મધ્યપ્રાંતની ગૌલવ, ૧૩. નિઝામની દેઉની, ૧૪. મ્હૈસુરની અમૃતમહાલ તથા હિલ્લિકર, ૧૫. મદ્રાસની નેલોર, ૧૬. મદ્રાસની કાંગાયમ, ૧૭. જોધપુરની નાગોરી, ૧૮. સિંધની થરપાર્કર અને ૧૯. અલ્વરની મેહવતી. આ સિવાય ભગ્નેરી, દજલ, રેડસીંદે, કિલ્લરી, પોનવાર, ખારિગઢ, ગાઉલાઉ વગેરે પણ ગાયની ઘણી જાત છે. અઢાર માસની ગાયને ત્ર્યવી, ચોવીશ માસની ગાયને દિત્યૌહી, ત્રીશ માસની ગાયને પંચાવી, છત્રીશ માસની ગાયને ત્રિવત્સા, બેંતાલીસ માસની ગાયને તુયૌંહી, ચાર વર્ષની ગાયને પષ્ઠોહી, વાંઝણી ગાયને વશા, ગર્ભધાતક ગાયને વેહત અને પ્રસૂત ગાયને ધેનુ કહેવાય છે. ગાયનાં કામદુધા, વિશ્વાયુ, વિશ્વધાયા, વિશ્વકર્મા, ઇડા, સરસ્વતી, અદિતિ વગેરે નામ પણ છે. વેદમાં ગાયનો જ ઉલ્લેખ છે, ભેંસનું ક્યાંય પણ નામ જોવામાં આવતું નથી. લોકો ગાયનું જ દૂધ પીતા. પંજાબ, કુરુક્ષેત્ર અને રોહિલખંડનાં જંગલોમાં ગાયો પુષ્કળ થતી અને પુષ્કળ દૂધ આપતી. યજ્ઞમાં દક્ષિણા તરીકે પણ ગાય આપવામાં આવતી. અત્યારે જેમ સિક્કાનો વ્યવહાર છે તેમ પ્રાચીન સમયમાં ગાયો વપરાતી. વધુ - ૧. કન્યા ને ગાય જ્યાં દોરે ત્યાં જાય = જેમનો કંઈ અવાજ નથી એવું ગરીબ; દીન. કન્યાને તેનાં માબાપ જ્યાં પરણાવે ત્યાં જવું પડે છે તેમ ગાય પણ જ્યાં આપે ત્યાં દોરાય છે તે ઉપર થી આ પ્રયોગ થયો છે. ૨. ગાય જેવું ગરીબ = ગરીબ સ્વભાવનું; સાલસ. ૩. ગાય દોહી કૂતરીને-ગધેડીને પાવું = (૧) કુપાત્રને આપવું. (૨) દુર્વ્યય કરવો. ૪. ગાય પછવાડે વાછરડું = (૧) દાન ઉપર દક્ષિણા. (૨) મા સાથે છોકરૂં. ૫. ગાય મળવી = ગાયે દૂધ આપવું. ૬. ગાય લેવી દૂઝતી ને વહુ લેવી ઝૂલતી = ગાય અને કન્યાની પસંદગી બહુ વિચારપૂર્વક કરવાની હોય છે. ૭. ગાય વગરનું વાછડું = મા વગરનું છોકરૂં. ૮. ગાય વાંસે વાછડી = ગાય પછવાડે વાછરડું. ૯. ગાય વિયાવી = બાળકે જલદી ખાઈ લેવું. ૧૦. ગાયના બકરી હેઠ અને બકરીના ગાય હેઠ કરવાં = ઊંધાચત્તાં કરવાં; ખટપટ કરવી. ૧૧. ગાયના ભાઈ જેવું = મૂર્ખ; બુડથલ. ૧૨. ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે = સમજ્યા વગરની ઊથલપાથલ અને ફેરફાર; વ્યવસ્થા વિનાનું; અગડંબગડં. ૧૩. ગાયું વાળે તે ગોવાળ = ધંધો તેવું નામ. ૧૪. ઘેર ગાય બાંધી = દુઝાણું રાખવું. ૧૫. દૂબળી ગાયને બગાઈ ઘણી = અછતમાં અછત ભળે છે; દુ:ખમાં દુ:ખ ઉમેરાય છે. ૧૬. ધરમની ગાયના દાંત ન જોવાય = બક્ષિશ મળેલી ચીજની ખામી વિષે ટીકા ન કરાય. Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો