શનિવાર, 30 ઑગસ્ટ, 2014

આંખ

જોવાની ઇંદ્રિય; નેત્ર; નેન; નયન; ચક્ષુ; લોચન; ચશ્મ. ઊંચી કોટિના જીવની આંખ બહુ ફરી શકે એવી અને કઠણ હોય, પણ હલકાં પ્રાણીમાં તેની બનાવટ બહુ સાદી હોય. કોઈ કોઈ જીવોને તો માત્ર એક ટપકાં જેવી આંખ હોય. તે ઉપર રક્ષાને માટે પોપચું કે પાંપણ હોતાં નથી. કરોળિયાને આઠ આંખ હોય છે. કરોડવાળાં પ્રાણીની આંખ ખોપરીની નીચે ખાડામાં સચવાય તેમ રખાયેલી અને તેની ઉપર પોપચાનું ઢાંકણ હોય છે. આંખ લંબગોળ અને બન્ને છેડે સાંકડી હોય છે. આગળના ભાગમાં સફેદ કાચ જેવું જે પડ દેખાય છે તેની પાછળ એક બીજા પડની બરાબર વચ્ચે એક કાણું છે. તેની અંદર તેના લાગેલો એક ઊપસેલો કાચના જેવો પદાર્થ હોય છે, તેમાં થઈને પ્રકાશ અંદર જઈ નેત્રપટ ઉપરના જ્ઞાનતંતુઓ ઉપર કંપ કે પ્રભાવ નાખે છે. મગજ સાથે સંબંધ રાખનાર દૃષ્ટિ જ્ઞાનતંતુ, નેત્રપટ, જળરસ, ડોળો, કીકી એ આંખનાં મુખ્ય અંગ છે. આંખો આવવી, નેત્રશૂળ, ફૂલું, અજકાજાત, મોતિયાં, અંધારાં, નેત્રનાડી, આંજણી, ખીલ એ આંખના મુખ્ય રોગ છે. ફૂલું દૂર કરવા ગાયના દહીંમાં સૂંઠ ઘસીને અથવા સુવર્ણમાતક્ષિક મધમાં ઘસીને આંજવું. અજકાજાત એટલે ઢીગ મટાડવા સિંધવ, ઘોડાની ખરી અને ગોરોચન ગૂંદીની છાલના રસમાં ઘસી આંખમાં નાખવું. મોતિયા ઉતારવો મેઢાશિગનાં પાંદડાં, સુરમો અને શંખ આંજવાં. અંધારાં આવતાં હોય તો દશમૂળથી સિદ્ધ કરેલો ઘીમાં ચારગણું દૂધ અને ત્રિફળાનો કલ્ક નાખી તે ખાવો. નેત્રનાડીમાં ત્રિફળાનો કલ્ક નાખી તે ખાવો. નેત્રનાડીમાં ત્રિફળાનો કાઢો, મધ, ઘી અથવા લીંડીપીપર નાખી ખાવું. આંજણી મટાડવા હાથ ઉપર આંગળી ઘસી તે વડે શેકવું અને લમણા પાસે જળો મુકાવી બાજુનું લોહી કઢાવવું. આંખના ખીલ દૂર કરવા મોરથૂથુની સળી ફેરવવી અથવા કાડીખોર પાણીમાં ઓગાળી તેનું ટીપું આંખમાં પાડવું. સામાન્ય રીતે આંખના રોગમાં ચોખા, ઘઉં, મગ, જવ, કળથી, લસણ, પંડોળાં, તાંદળજો, કારેલાં, મધ, દૂધ, ઘી અને કડવા પદાર્થ ખાવા લાયક અને દહીં, છાશ, ભાજીપાલો, કાલિંગડું, અડદ, દારૂ, તાંબુલ તથા ખારા, તીખા અને ગરમ પદાર્થ છોડી દેવા લાયક મનાય છે. વધુ - ૧. આંખ અને કાન વચ્ચે ચાર આંગળીનો ફેર = નજરે જોવાથી જેટલું સાચું જાણવામાં આવે તેટલું સાંભળવાથી જણાતું નથી. ૨. આંખ અંદર હોવી = આંખો ઊંડી જવી. ૩. આંખ આગળ = હાજરીમાં; સમક્ષ; રૂબરૂ; નજરોનજર. ૪. આંખ આડા કાન કરવા = વાત ઉડાડી દેવી; સાંભળ્યું ન સાંભળ્યું કે જોયું ન જોયું કરવું; થવા દેવું; જાણીબુઝીને જતું કરવું; ન ગણકારવું; બેદરકાર રહેવું. ૫. આંખ આવવી = (૧) અંકુશ સહન ન કરવા અધીરા થવું; સ્વતંત્ર થવાની ઇચ્છા થવી. (૨) ગરમીથી આંખ લાલ થઈ સૂજી આવી તેમાં પીડા થવી. (૩) સમજણ આવવી; આંખ ઊઘડવી. ૬. આંખ આંજવી = (૧) આંજણ આંજવું. (૨) છેતરવું. (૩) બહુ તેજ પાડવું. (૪) સામાને ખબર પડવા દીધા વગર લઈ લેવું. ૭. આંખ ઉઘાડવી = (૧) ચેતવવું; સાવચેત કરવું. (૨) સમજ પડવી; અક્કલ સૂઝવી. (૩) સાવધાન થવું; ખરી હકીકત જાણ્યામાં આવવી. (૪) સુધીમાં આવવું. ૮. આંખ ઉઘાડીને જોવું = (૧) ચોમેરનો વિચાર કરવો; બધી વિગત ધ્યાનમાં લેવી. (૨) તપાસ ચલાવવી. (૩) બુદ્ધિપૂર્વક વિચાર કરવો. (૪) સ્પષ્ટ રીતે અને સંભાળથી જોવું. ૯. આંખ ઉઠાવવી = (૧) આંખ ઉઘાડી સામે નજર કરવી; જોવું; તાકવું; આંખ ઊંચી કરવી. (૨) ખરાબ નજરથી જોવું; નુકસાન પહોચાડનારૂં કામ કરવું. (૩) છોડવું; મૂકી દેવું. ૧૦. આંખ ઉઠાડીને ન જોવું. = (૧) નમ્ર હોવું. (૨) મગરૂર થવું. (૩) શરમાઈ જવું. ૧૧. આંખ ઉપર ઠીકરી રાખવી = (૧) અજાણ્યા થઈ જવું. (૨) ઉપકાર ન માનવો; કૃતધ્નતા કરવી. (૩) બેદરકાર રહેવું. (૪) શરમ ન હોવી; નિર્લજ્જ થવું. ૧૨. આંખ ઉપર પડદો પડવો = (૧) અજ્ઞાનનું અંધકાર છવાઈ જવું; ભ્રમ થવો. (૨) નબળાઈને લીધે અંધારાં આવવો. (૩) વિવેકબુદ્ધિ જતી રહેવી. ૧૩. આંખ ઉપર બેસવું-બેસાડવું-રાખવું-લગાવવું = (૧) ગમવું; પંસદ પડવું. (૨) બહુ આદરસત્કાર કરવો. (૩) માન આપવું. (૪) મોભાદાર થવું. (૫) વખાણ કરવાં. ૧૪. આંખ ઊઘડવી = (૧) જાગ્રત થવું; ઊંઘ ઊડવી. (૨) બધી વિગત ધ્યાનમાં લેવી. (૩) ભાન આવવું. (૪) મળેલી કે ચોટેલી પાંપણો છૂટી થવી. (૫) સુધીમાં આવવું (૬) સ્પષ્ટ રીતે અને સંભાળથી જોવું. ૧૫. આંખ ઊઠવી = આંખ આવવી; આંખમાં દુખાવો થવો; આંખ સૂજી આવવી. ૧૬. આંખ ઊંચી કરવી = (૧) ચડી આવવું; હુમલો કરવો; સામા થવું. (૨) માંદા માણસે આંખ ઉઘાડી જોવું; આંખ ઉઘાડીને નીરોગીપણું બતાવવું. (૩) સામે થવા હિંમત ધરવી. (૪) સામે નજર કરવી; સામું જોવું. ૧૭. આંખ ઊંચી કરાવવી = (૧) અધીરાઈ કરાવવી. (૨) દુ:ખ દેવું. ૧૮. આંખ ઊંચી કરી ન જોવું. = (૧) નજર ન કરવી. (૨) શરમને લીધે સામે ન જોવું. ૧૯. આંખ ઊંચી ન હોવી = શરમથી ઊંચી નજર ન કરી શકવી. ૨૦. આંખ ઊંડી જવી = નબળું પડવું ૨૧. આંખ કરવી = (૧) આંખની ઇશારતથી સમજાવવું. (૨) પ્રેમની નજરે જોવું. ૨૨. આંખ કળવી = આંખ ઉપરથી મનના ભાવ જાણવા. ૨૩. આંખ કાઢવી = (૧) ડોળા કાઢવા; ડોળા પહોળા કરી ગુસ્સાની નજરથી જોવું. (૩) ધમકાવવું. (૪) બિવરાવવું. ૨૪. આંખ કાણી કરવી પણ દિશા કાણી ન કરવી = જેવું ખાવું તેનું ખોદવું નહિ. ૨૫. આંખ કાન ખુલ્લાં રાખવાં = સાવચેત રહેવું; હોશિયાર રહેવું. ૨૬. આંખ ખટકવી = આંખમાં દુ:ખ થવું. ૨૭. આંખ ખસેડવી = ધ્યાન ન આપવું. ૨૮. આંખ ખૂલવી = (૧) આંખ ઊઘડવી; ચોટેલી કે ભેગી થયેલી પાંપણો છૂટી થવી. (૨) ઊંઘમાંથી જાગવું. (૩) ચકિત બનવું; અજબ થવું; નવાઈ પામવું. (૪) જન્મવું. (૫) જાણવું; ખબર પડવી; વાકેફ તવું. (૬) ડાહ્યા બનવું. (૭) તાજગી આવવી; નવું જોર આવવું. (૮) ધ્યાન આપવું. ૨૯.આંખ ખેંચવી = (૧) આતુરતા રાખવી. (૨) પરાણે વાંચવું. (૩) રાહ જોવી. ૩૦. આંખ ખોલવી = (૧) તાકીને જોવું. (૨) મોતિયો કે છારી કાઢી નાખવાં; આંખ દુરસ્ત કરવી. (૩) વાકેફ થવું; જ્ઞાનનો અનુભવ કરવો. (૪) સાવધાન કરવું. (૫) સ્વસ્થ બનવું; સુધીમાં આવવું. ૩૧. આંખ ખોલાવવી = (૧) આંખ ઉઘડાવવી. મુસલમાનની આ એક લગ્નવિધિ છે. તેમાં વરની ખૂબ અરજ પછી કન્યા વર આગળ પહેલી જવા પોતાની આંખ ઉઘાડે છે. (૨) મુસલમાનોમાં દર્શન કરાવવું. વરકન્યાની સામે એક અરીસો રાખવામાં આવે છે અને તેમાં એકબીજાનાં મોઢાં જુએ છે. ૩૨. આંખ ખોલી દેવી = જ્ઞાન આપવું; અજ્ઞાન દૂર કરવું. ૩૩. આંખ ગડવી = (૧) આંખમાં પીડા થવી. (૨) આંખો ઊંડી જવી. ૩૪. આંખ ગરમ કરવી = ઇશ્કથી જોવું; ભોગવિલાસની નજરે જોવું. ૩૫ આંખ ગળવી = ઊંઘ આવવાની તૈયારી થવી; ઝોલા આવવા. ૩૬. આંખ ગુલાબી કરવી = (૧) ઇશ્કની નજરે જોવું. (૨) નશો કરવો. ૩૭. આંખ ઘુમાવવી = આમતેમ જોવું; જ્યાંત્યાં નજર ફેરવવી. ૩૮. આંખ ઘૂરકવી = ગુસ્સાથી જોવું. ૩૯. આંખ ચગાવવી-ચટકાવવી-ચમકાવવી = આંખથી ઇશારત કરવી; કટાક્ષ ફેંકવા. ૪૦. આંખ ચડવી = (૧) આંખ ફરવી; મરવાની અણી ઉપર આવવું. (૨) વિષય, મસ્તી, ઉજાગરો કે માથાનો દુખાવાને લીધે ઘેન ચડવું. ૪૧. આંખ ચડાવવી = ધમકાવવું; બિવરાવવું. ૪૨. આંખ ચડાવી દેવી = (૧) આંખનો ધોળો ભાગ દેખાય એવી રીતે ડોળો ઊંચો ચડાવવો. (૨) બેપરવાઈથી સાંભળવું; નહિ ગણકારવું; ધ્યાનમાં ન લેવું. ૪૩. આંખ ચડી આવવી = આંખ દુખવા લાગવી. ૪૪. આંખ ચડી જવી = (૧) ઉશ્કેરાઈ જવું; ગુસ્સે થવું. (૨) ગર્વ કરવો; અભિમાન આવવું. (૩) ધ્યાન આપ્યા વિના સાંભળવું. (૪) બેસુધ થઈ જવું. ૪૫. આંખ ચમકવી = ગુસ્સા કે નખરામાં આંખો આમતેમ ફેરવવી. ૪૬. આંખ ચમકાવવી = (૧) આંખથી ઇશારા કરવા. (૨) ડોળો અહીંતહીં ફેરવવો. ૪૭. આંખ ચરવા જવી = ધ્યાન ન હોવું. ૪૮. આંખ ચળી જવી = (૧) ખોટું કામ કરવાને લલચાવું. (૨) ડોળા કાઢીને જોવું; ભવાં ચડાવીને જોવું. ૪૯. આંખ ચાર હોવી = એકબીજાને મળવું; મેળાપ થવો. ૫૦. આખ ચુમાઈને રહેવું-ચોળીને રહેવું = શોક ભરેલી સ્થિતિમાં રહેવું; પસ્તાવો કરવો; હારી થાકી બેસવુ; રડી રહેવું; પોતાનું કાંઈ ન ચાલવાથી નિરાશ થઈ જવું. ૫૧ આંખ ચોટવી = ધ્યાન સ્થિર થવું. ૫૨. આંખ ચોળવી = આશ્ચર્ય થવું; વિસ્મય પામવું. (૨) હાથ ઘસવા; જખ મારવી ૫૩. આંખ ચોળાવવી = હાથ ઘસાવવા; જખ મરાવવી; પસ્તાવો કરાવવો. ૫૪. આંખ ચોળી ચોળીને વિચારવું = ખૂબ ધ્યાનપૂર્વક વિચાર કરવો. ૫૫. આંખ છત સાથે લાગવી = (૧) આતુર આશાથી છાપરા તરફ જોઈ રહેવું. (૨) મરતી વખતે આંખ ફેરવવી. ૫૬. આંખ છુપાવવી = (૧) જૂની ઓળખાણ ભૂલી જવી. (૨) ધ્યાન ન દેવુ. (૩) નજરથી દૂર કરવું. (૪) શરમાવું. ૫૭. આંખ જવી = આંધળું થવું; આંખ ફૂટવી. ૫૮. આંખ જામવી = નજર સ્થિર રહેવી. ૫૯. આંખ જોડવી = તાકીને જોવું; બારીકાઈથી નજર કરવી. ૬૦. આંખ ઝૂકવી = (૧) આંખમાં પીડા થવી. (૨) શરમ અથવા વિનયથી આંખ ઢાળવી. ૬૧. આંખ ટાઢી થવી = જોઈને સંતોષ થવો; નિરાંત વળવી. ૬૨. આંખ ટૂટવી = આંખમાં પીડા થવી. ૬૩. આંખ ટેડી કરવી-દેખાડવી = (૧) કરડી નજર કરવી. (૨) ગુસ્સે દેખાવું. (૩) ધમકી આપવી. ૬૪. આંખ ઠરવી = સંતોષ મળવો; તૃપ્તિ થવી; જોઈ નિરાંત વળગી. ૬૫. આંખ ઠરી જવી = આંખ ઠરી જવી = (૧) આંખો સ્થિર થઈ જવી. (૨) ઊંઘી જવું. (૩) મરી જવું. ૬૬. આંખ ઠંડી કરવી = (૧) ખુશ થવું. (૨) જોવાથી સંતોષ થવો. (૩) દિલાસો આપવો. (૪) સગાના મરણ પછી ત્રીજે દિવસે રોવાથી ગરમ થયેલ આંખો ઉપર પાણી લગાડવું ૬૭ આંખ ઠંડી થવી = સંતોષ થવો; ઇચ્છા પૂરી થવી. ૬૮. આંખ ઠાલવવી = (૧) ઇશારા કરવા. (૨) નજર ફેરવવી. ૬૯. આંખ તગતગવી = મંદવાડમાં બહુ નબળાઈ આવી જવી; માત્ર આંખ ફેરવી શકવા જેટલી શક્તિ રહેવી. ૭૦. આંખ તરડાવી = (૧) આંખ ત્રાંસી થવી. (૨) આંખો દુખવા આવવી. (૩) મરણ વખતે આંખમાં ફેરફાર થવો. ૭૧. આંખ તરવી = (૧) આંખને આરામ આપ્યા વગર ફેરવ્યા કરવી. (૨) તાવથી આંખ ચળકવી. (૩) બેસુધ થવું. ૭૨ આંખ તરસવી = જોવા માટે બહુ આતુર હોવું. ૭૩. આંખ તાણવી = (૧) ગુસ્સે થવું. (૨) ધમકાવવું. (૩) પરાણે વાંચવું. ૭૪. આંખ તાણીને જોવું = (૧) આંખને જોર પડે એવી રીતે જોવું. (૨) ધ્યાનપૂર્વક જોવું. ૭૫. આંખ દબદવાવવી = આંખમાં ખૂબ આંસુ આવવાં. ૭૬. આંખ દબાઈ જવી-દબાવી = મરી જવું; આંખ મીંચાવી. ૭૭. આંખ દાબવી = નિશાનીથી મના કરવી; ઇશારતથી ના પાડવી. ૭૮. આંખ દુખવી = આંખ ઊઠવી; આંખ આવવી; આંખમાં પીડા થવી. ૭૯. આંખ દેખવી = (૧) બધી જાતની સોબતનો અનુભવ થવો. (૨) બીજાની આંખ જોવી. (૩) સારાં માણસો સાથે સંબંધ હોવો. ૮૦. આંખ દેખાડવી = (૧) કરડી નજર કરવી. (૨) ગુસ્સે દેખાવું; ક્રોધથી આંખ લાલ કરવી. (૩) ધમકી આપવી; ધાક બતાવવી; બિવડાવવું. ૮૧. આંખ દોડાવવી = (૧) ઇશારો કરવો; ઇશ્કની નજરે જોવું. (૨) ચોતરફ જોવું. ૮૨. આંખ ધસવી = આંખો ઊંડી જવી. ૮૩. આંખ ધોળી ફક થવી = દુ:ખ કે બીકથી આંખો સફેદ બનવી; નબળાઈને લીધે આંખો ઝાંખી થવી. ૮૪. આંખ ન ઉઠાવવી = (૧) કામમાં લાગ્યું રહેવું. (૨) શરમથી નજર નીચી રાખવી. (૩) સામે ન જોવું. ૮૫. આંખ ન ખોલવી = (૧) આંખ બંધ રાખવી. (૨) ગાફિલ રહેવું. (૩) સુસ્ત પડ્યું રહેવું. ૮૬. આંખ ન ઠેરવી = (૧) જોઈ ન શકવું; દૃષ્ટિ ન જામવી. (૨) નબળું બની જવું. ૮૭. આંખ ન રાખવી = (૧) આશા ન હોવી. (૨) માનસિક રીતે આંધળું હોવું. ૮૮. આંખ નચારવી = ઇશારો કરવો; ઇશ્કથી જોવું. ૮૯. આંખ નમ કરવી = આંખમાં આંસુ લાવવાં. ૯૦. આંખ નાકથી ડરવું = ઈશ્વરથી બીવું; પાપથી ત્રાસવું, કેમકે પ્રભુ પાપી લોકોને આંધળાં અને નટકાં બનાવી દે છે. ૯૧. આંખ નીકળી પડવી = (૧) અદેખાઈ આવવી. (૨) આંખો દુખવાથી બહુ પીડા થવી. ૯૨ આંખ નીચી કરવી = (૧) નજર નીચી રાખવી; સામે ન તાકવું. (૨) શરમથી સામે ન જોવું. ૯૩. આંખ નીચી હોવી = શરમ લાગવી. ૯૪. આંખ પથરાવી = (૧) આંખ જડ જેવી થઈ જવી; નેત્ર સ્તબ્ધ થઈ જવાં. (૨) આંખ ઝાંખી પડવી. ૯૫. આંખ પાકી જવી = આંખને બહુ થાક લાગવો. ૯૬. આંખ પાંપણ કરવી = આંખમાં જરા આંસુ લાવવા. ૯૭. આંખ પ્રસારવી-ફેલાવવી = (૧) ડાહ્યા બનવું; બુદ્ધિશાળી થવું. (૨) દીર્ધદૃષ્ટિ કરવી; બહુ લાંબે સુધીનો વિચાર કરી જોવું. ૯૮. આંખ ફરકવી = (૧) આત્મસંયમ જતો રહેવો. (૨) આંખનાં પોપચાંનુ રહીરહીને ધ્રૂજવું. (૩) શુભાશુભ ચિહ્ન જણાવું. પુરુષને જમણી અને સ્ત્રીને ડાબી આંખ કે અંગનું ફરકવું શુભસૂચક ગણાય છે, તેથી ઊલટું તે અશુભસૂચક મનાય છે. ૯૯. આંખ ફરવી = (૧) ગુસ્સે થવું. (૨) દેખરેખ રાખવી. (૩) નજર કરવી. (૪) મરવાનો વખતે આંખનું તરડાવું. (૫) મહેરબાની ઊતરી જવી. (૬) શૂર ચડવું. ૧૦૦. આંખ ફરી જવી = (૧) અકૃપા થવી. (૨) અજાયબી પામવી. (૩) કોપવું. (૪) તપાસી જવું; જોઈ જવં. (૫) મરણતોલ દશાને પામવું. ૧૦૧. આંખ ફાટવી = (૧) આવેશથી સામા થવાનો ડોળ જણાવો. (૨) આંખ નીકળી પડતી હોય એવું દુ:ખ થવું. (૩) એકદમ જુસ્સો આવવો. (૪) ગુસ્સો ચડી આવવો. (૫) મસ્તીમાં આવવું. ૧૦૨. આંખ ફાટી જવી-રહેવી = (૧) અજાયબ થવું. (૨) અદેખાઈ આવવી. (૩) અંકુશમાં ન રહેવું. ૧૦૩. આંખ ફાડી ફાડીને જોવું = (૧) અજાયબ થવું. (૨) અધીરાઈથી જોવું. (૩) ડોળા ઉઘાડીને જોવું. (૪) બારીક તપાસ કરવી. ૧૦૪. આંખ ફાડીને જોવું. = ચકિત થવું. ૧૦૫. આંખ ફૂટનારને ઝોંકો લાગનાર = કાગનું બેસવું ને તાડનું પડવું; અચાનક બે બાબતનું સાથે બનવું. ૧૦૬. આંખ ફૂટવી-ફૂટી જવી = (૧) અજબ થવું. (૨) અદેખાઈથી બળવું. (૩) આંખને ઘણો થાક લાગવો. (૪) આંધળું થવું. (૫) ધ્યાન ન રહેવું. (૬) બેભાન ટળવું. (૭) મૂર્ખ બનવું. (૮) વિચાર ન સુઝવો. ૧૦૭. આંખ ફૂટી પીડ ગઈ = આંખ ગઈ ને દુ:ખ મટ્યું. તકરારી બાબતમાં બન્ને બાજુને નુકસાન પહોંચે અને કજિયાનો અંત આવે ત્યારે આમ કહેવાય છે. ૧૦૮. આંખ ફૂટે ત્યાં પાંપણને ક્યાં રડવું ? = આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવું ? દુ:ખ આવી પડે ત્યારે તેનો ઉપાય ન થઈ શકે. ૧૦૯. આંખ ફેરવવી-ફેરવી લેવી = (૧) ઉપર ઉપરથી જોઈ જવું. (૨) કરડી નજર કરવી; ડોળા કાઢવો. (૩) ગુસ્સે થવું. (૪) તપાસ રાખવી. (૫) દુ:ખથી આંખનો ડોળો ફેરવવો. (૬) ધમકાવવું. (૭) બિવરાવવું. (૮) ભાઈબંધી તોડવી. (૯) મહેરબાની ઓછી કરવી. (૧૦) વિરુદ્ધ થવું. ૧૧૦. આંખ ફેરવી જવી = (૧) ઉપર ઉપરથી જોઈ જવું. (૨) નજર ન કરવી. ૧૧૧. આંખ ફેરવી જવી = (૧) કરડી નજરથી જોવું. (૨) ચારે પાસ નજર કરીને જોવું. ૧૧૨. આંખ ફેરવી = (૧) ઇશારત કરવી. (૨) ઉપર ઉપરથી જોઈ જવું. ૧૧૩. આંખ ફોડવી = (૧) આંખનો જોર પડે એવું કામ કરવું. (૨) આંધળું કરવું. (૩) જોવામાં કે વાંચવામાં આંખને તકલીફ આપવી. (૪) નકામી આશા રાખવી. (૫) નકામી રાહ જોવી. (૬) બહુ મહેનત લીધી હોય એમ દેખાડવું. તિરસ્કારથી `લે જો` એવો અર્થ બતાવે છે. (૭) વળગી રહેવું. ૧૧૪. આંખ બચાવવી = (૧) છાનુંમાનું નાસી જવું. (૨) ન જોવાનો ઢોંગ કરવો. (૩) મોઢું ન દેખાડવું નજરે ન પડવું. ૧૧૫. આંખ બચાવીને આવવું = છાનુંમાનું આવવું. ૧૧૬. આંખ બતાવવી = (૧) કરડી નજર કરવી. (૨) ગુસ્સે દેખાવું. (૩) ધમકી આપવી. ૧૧૭. આંખ બદલવી = (૧) ગુસ્સો કરવો. (૨) મનનું અસ્થિર હોવું; જુદેજુદે વખતે જુદીજુદી નજરે જોવું. (૩) મહેરબાની ઓછી કરવી. (૪) સ્નેહ ઉતારવો. ૧૧૮. આંખ બબડવી = પાંપણમાં સાવાં પડવાથી પાંપણો ચોડી જવી. ૧૧૯. આંખ બરાબર ન કરી શકવી = શરમાવું. ૧૨૦. આંખ બંધ કરી કામ કરવું. = (૧) બીજાના કહેવા ઉપર ધ્યાન આપ્યા વગર વર્તવું. (૨) વગર વિચારે કામ કરવું; પૂછ્યાગાછ્યા વિના કાંઈ કરવું. ૧૨૧. આંખ બંધ કરી લેવી-બંધ થવી-હોવી = (૧) ઊંઘવું. (૨) છોડી દેવું; હાથ ઉઠાવી લેવો. (૩) બદરકારીથી વર્તવું. (૪) મરી જવું. ૧૨૨. આંખ બિછાવવી = (૧) એક નજરે જોઈ રહેવું. (૨) ચાહવું; કીમતી ગણવું. (૩) પ્રેમથી સ્વાગત કરવું. (૪) માન આપવું; પૂજા કરવી. ૧૨૩. આંખ બે ને જોવું દહાડી = એકનું એક માણસ જુદુંજુદું કામ કરે તે. ૧૨૪. આંખ ભર લાવવી = આંખ દબદબાવવી. ૧૨૫. આંખ ભરવી = (૧) ટીકીટીકીને જોવું ને મોહ ઉત્પન્ન કરવો. (૨) રોવું. ૧૨૬. આંખ ભરાઈ આવવી-જવી = (૧) આંખ ઠરવી; સંતોષની સાથે મન આકર્ષાવું; તલ્લીન થવું. (૨) આંસુ આવવાં. (૩) વખાણની નજરે જોવું. ૧૨૭. આંખ ભરીને જોવું. (૧) ઇશ્કની નજરે જોવું. (૨) ગુસ્સામાં દેખાવું. (૩) તાકીને નજર કરવી. (૪) ધરાઈને જોવું. ૧૨૮. આંખ ભારે થવી = (૧) અદેખાઈ આવવી. (૨) આંખ દુખવાનાં ચિહ્ન જણાવાં. (૩) ઊંઘથી આંખ ઘેરાવી. ૧૨૯. આંખ મચકાવવી = (૧) આંખ ઉઘાડબંધ કરવી. (૨) ઇશારો કરવો. ૧૩૦. આંખ મટમટાવવી = આંખ ઉઘાડબીડ કરવી. ૧૩૧. આંખ મળવી = (૧) ઊંઘ આવવી. (૨) દૃઢતાથી જોવું. (૩) પ્રેમમાં પડવું. (૪) સામસામાં પ્રેમની નજરે જોવું. ૧૩૨. આંખ મારવી = (૧) આંખના ઇશારાથી મનાઈ કરવી. (૨) ઈશારો કરવો; સનકારો કરવો. ૧૩૩. આંખ માંડવી = ધ્યાન રાખી જોવું. ૧૩૪. આંખ મિલાવવી-મેળાવવી = (૧) ઇશારા કરવા; પ્રેમથી જોવું. (૨) જાતે મળવું; પ્રસંગ પાડવો. (૩) તાકીને નજર કરવી. (૪) દોસ્તી બાંધવી. ૧૩૫. આંખ મીંચવી = (૧) ભૂલી જવું. (૨) મરી જવું. ૧૩૬. આંખ મીંચાઈ અને નગરી લૂંટાઈ = પોતાના મોત પછી ગમે તે થાઓ. ૧૩૭. આંખ મીંચાવી = (૧) ઊંઘ આવવી. (૨) મરણ થવું ૧૩૮. આંખ મીંચીને = (૧) આગળપાછળનો વિચાર કર્યા વિના; વગર સમજે. (૨) ઉતાવળે. (૩) ધ્યાન ધરીને. (૪) નિશ્ચય કરીને. ૧૩૯. આંખ મીંચીને અંધારૂં; કરવું. = આંધળિયાં કરવાં; આગળપાછળનો વિચાર કર્યા વિના એકદમ કરી નાખવું. ૧૪૦. આંખ મીંચીને વિચાર કરવો = શાંતિથી એકચિત્તે વિચારવું. ૧૪૧. આંખ મૂકવી = (૧) અંજાઈ જવું. (૨) ઝોલા આવવાં. (૩) શરમથી નીચે જોવું. ૧૪૨. આંખ મેળવવી = બે જણનો મેળાપ કરાવવો. ૧૪૩. આંખ મોડવી = (૧) પહેલાના જેવી સ્નેહદૃષ્ટિ ન રાખવી. (૨) મિત્રાચારી છોડી દેવી. (૩) વિરુદ્ધ થવું. ૧૪૪. આંખ રાખવી = (૧) આશા હોવી. (૨) ઇચ્છા રાખવી. (૩) જોવું. (૪) દેખરેખ રાખવી. (૫) ભલાઈની આશા રાખવી. (૬) સ્નેહ હોવો; ચાહવું. ૧૪૫. આંખ રાતી કરવી = ગુસ્સે થવું. ૧૪૬. આંખ લગાડવી = (૧) એકીટશે જોવું. (૨) નજર રાખવી. (૩) પ્રેમમાં પડવું. (૪) માન આપવું. ૧૪૭. આંખ લજાવી = શરમ અથવા વિનયથી આંખ ઢાળવી. ૧૪૮. આંખ લડવી = (૧) તાકીનો જોવું (૨) દેખાદેખી હોવી. (૩) પ્રિયાનો ઓચિંતું મળવું (૪) પ્રેમ હોવો. (૫) પ્રેમમાં પડ્વું. (૬) બીજાની આંકો સામે જોવું. (૭) સામસામી પ્રેમની નજર ફેકવી. ૧૪૯. આંખ લડાવવી = (૧) ઇશારાથી છાની વાત કરવી. (૨) છોકરાંઓની એક રમત. તેમાં તેઓ એકબીજા સામું તાકીને જુએ અને જેની આંખ મટકું મારે તેની હાર ગણાય. (૩) તાકીને જોવું. (૪) દોસ્તી કરવી. (૫) પ્રેમથી જોવું. ૧૫૦. આંખ લલચાવી = જોવાની બહુ ઇચ્છા હોવી. ૧૫૧. આંખ લાગવી = (૧) આતુરતાથી રાહ જોવી. (૨) આંખ મળવી; ઊંઘ આવવી. (૩) પ્રેમમાં પડવું. (૪) સામસામી દૃષ્ટિ ફેરવી. ૧૫૨. આંખ લાલ કરવી = ખીજવું. ૧૫૩. આંખ લાલ થવી-લોલચોળ થઈ જવી = (૧) ઘણું ગુસ્સે થવું. (૨) બહુ ઉશ્કેરાઈ જવું. ૧૫૪. આંખ લીલી પીળી કરવી = ઉશ્કેરાઈ જવું. ૧૫૫. આંખ લેવી = આંધળું કરવું. ૧૫૬. આંખ વિંચાવી = મરી જવું. ૧૫૭. આંખ શેકવી = (૧) જોઈને આનંદ માણવો. (૨) દિલાસો મળવો. (૩) સુંદરતાનો વિચાર કરવો. ૧૫૮. આંખ સફેદ હોવી = આંખ ઉપર પડળ ચડવાં; દુ:ખ બીક કે નબળાઈનો લીધે આંખો ઝાંખી થવી. ૧૫૯. આંખ સામે કરવી = શરમાયા વિના સામે જોવું. ૧૬૦. આંખ સુર્ખ કરવી = ગુસ્સે થવું; આંખ લાલ કરવી. ૧૬૧. આંખ હોવી = (૧) ઇચ્છવું. (૨) ઘણું વહાલું હોવું. (૩) જ્ઞાન હોવું. (૪) દેખરેખ રાખવી. (૫) પરખવું. (૬) મહેરબાની રાખવી. (૭) વિવેક રાખવો. ૧૬૨. આંખડી મીંચાઈ ને નગરી લૂંટાઈ = આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા; પોતા મરી ગયા પછી ગમે તે થાઓ. પોતાના મોત પછી આખું શહેર લૂંટાઈ જાય તો પણ મરનારને તેની કંઈ અસર થતી નથી. ૧૬૩. આંખથી = ખરા અંત:કરણથી ૧૬૪. આંખથી અદીઠ = દેખાય નહિ એ રીતે. ૧૬૫. આંખથી જોઈને કરવું = (૧) ઇરાદાપૂર્વક કરવું. (૨) ખાતરી કરીને ધ્યાનપૂર્વક કરવું. ૧૬૬. આંખથી પડવું = ધિક્કારપાત્ર થવું. ૧૬૭. આંખાના ખૂણા = લમણો. ૧૬૮. આંખના તારા-પૂતળી = (૧) આંખની કીકી. (૨) પ્રેમની ચીજ. (૩) વહાલું. ૧૬૯. આંખના પાટા જેવું લાગવું = ન ગમવું. ૧૭૦. આંખના સૂયા = આંખમાંની સોય. કામણટૂમણ કરનારી કેટલીક સ્ત્રીઓ પોતાના દુશ્મન ઉપર વેર લેવાને લોટનું બનાવેલું અને સોયો ભોંકેલું પૂતળું દુશ્મન આવી રીતે ભોંકાશે અને તેનું મરણ નીપજશે એવી માન્યતાથી કબરસ્તાનમાં મૂકે છે. જો સોયો પાછી ખેંચી કાઢવામાં આવો તો મરી ગયેલ માણસ જીવતો થાય એમ તેઓ માને છે. એક વખત એક સ્ત્રી પોતાના મારી નાખેલા પતિની સોય કાઢતી હતી. આંખ સિવાય બધી સોય કાઢી લીધા ત્યાં તેને બંદગી કરવા માટે ઊઠવું પડ્યું. તેટલામાં એક ચાકરડી અંદર આવી, અને તેણે આંખની સોય ખેંચી લીધી. માણસ જીવતો થયો અને તેણે માની લીધું કે તે ચાકરડીએ બધી સોય ખેંચી કાઢી હતી. તેથી તેની સાથે તે પરણ્યો અને પોતાની સ્ત્રીનો ત્યાગ કર્યો. ૧૭૧. આંખનાં ખીલ-તપોડિયાં = આંખની અંદરના કોમળ ભાગમાં સફેદ દાણા જામી રહે એવો રોગ. તેથી આંખમાં ચળ આવે, ખટકો થાય અને પુષ્કળ પાણી ઝરે. નાજુક બંધાની અને ઘરમાં ગોંધાઈ રહેવાવાળી સ્ત્રીઓને, બચ્ચાઓને તેમ જ શરદી અને અંધારાવાળાં ઘરમાં રહેનારને આ રોગ વિશેષ થાય છે. ૧૭૨. આંખનાં પડળ ઊઘડવાં = સાચી સ્થિતિનું ભાન થવું. ૧૭૩. આંખની આડ = આંખી; મોઈદાંડિયાની રમતમાંનો એક દાવ. તેમાં આંખ ઉપર આડી મૂકેલી મોઈને નીચે પડતી મૂકતાં જ દાંડિયાથી ફટકો મારવામાં આવે છે. ૧૭૪. આંખની કીકી = (૧) આંખની અંદરનું ગોળ કાળું ચક્કર. (૨) ઘણું જ વહાલુ; કાળજાની કોર. ૧૭૫. આંખની ગરજ પાંપણ સારવાની ? = જેનું જે કામ હોય તે જ તે કરી શકે. ૧૭૬. આંખની ગરમાઈ = આંખનો એક રોગ; અભિષ્યંદ; ઝામર. તેમાં આંખની અશ્કિત અને શરીરની નબળાઈને લઈને આંખ વખતોવખત બળ્યા કરે, ડોળા સૂકા રહે અને નજર નબળી પડી જાય. ૧૭૭. આંખની ઝાંખ = આંખના તંતુ નબળા પડી જવાથી બરાબર ન દેખાવું તે. ૧૭૮. આંખની દીઠી તે ખરી = જોયું તે માનવા બરાબર છે. ૧૭૯. આંખની મીટ = આંખ મળવી તે; ઊંઘવાપણું. ૧૮૦. આંખની સોય ખેંચવી બાકી છે = ઘણુંખરૂં કામ થઈ ગયું છે; માત્ર થોડું કામ કરવું બાકી રહ્યું છે. જુઓ આંખોની સોય કાઢવી. ૧૮૧. આંખનું કણું = (૧) આંખમાં પડેલ કચરો કે રજ. (૨) નડતર; અડચણ; હરકત. ૧૮૨. આંખનું કાચું હોવું. = ઓછું દેખાવું. ૧૮૩. આંખનું કાજળ ચોરવું = ભારે ચાલાકીથી ચોરી કરવી. ૧૮૪. આંખનું ચણિયારૂં ફરવું = વિચાર ન કરવો; આંખને ચણિયારા જેવો ખાડો ગણી જોયા વિના કામ કરવું તે. ૧૮૫. આંખનું ઝેર ઉતારવું. = જરા સૂવું. ૧૮૬. આંખનું તેલ કાઢવું. = (૧) આંખને બહુ મહેનત પડે એવું કામ કરવું. (૨) આંસુ પાડવા. ૧૮૭. આંખનું પાણી ઢળવું-મરવું = (૧) ઉદ્ધત થવું. (૨) નિર્દય બનવું. (૩) શરમ વગરનું બનવું. ૧૮૮. આખનું ફૂટેલું = અવિચારી; મૂર્ખ. ૧૮૯. આંખનું રતન = આંખની માંહેની જોવાની શક્તિ. ૧૯૦. આંખને પોપચાનો ભાર ન લાગવો = (૧) જરૂરની ચીજ મોંઘી જણાતી નથી. (૨) પોતાના કુટુંબને ખવરાવવું પીવરાવવું કોઈને અણગમતું લાગતું નથી. (૩) પોતાની ચીજ સાચવવી ભારે પડતી નથી. ૧૯૧. આંખનો કસો = થોડી ઊંઘ. ૧૯૨. આંખનો કાંટો હોવું = (૧) ખટકવું; પીડા કરવી. (૨) દુશ્મન હોવું. ૧૯૩. આંખનો ડોરો-આંખલો લાલ લાલ ડોરો = આંખમાં રહેલી બારીક રાતી નસ. બહુ આનંદમાં આવી જવાથી અથવા તો દારૂ પીવાથી તે લાલ થાય છે. તે સૌદર્યની નિશાની છે. ૧૯૪. આંખનો પડદો ઊઠવો = જ્ઞાનચક્ષુ ખૂલવાં; અજ્ઞાન કે ભ્રમ દૂર થવાં. ૧૯૫. આંખનો પાટો = આંખના પાટા જેવું અણગમતું; અળખાપણું; ઘણું અપ્રિય. ૧૯૬. આંખમાં = આંખના પલકારાથી. ૧૯૭. આંખમાં અમી હોવું = માયાળુ સ્વભાવ હોવો. ૧૯૮. આંખમાં-આંબે આવવું = (૧) અદેખાઈ થાય એવી રીતે દેખાવું; આંખે ચડવું. (૨) અદેખાઈ સાથે બીજાનું લેવાની દાનત થવી. (૩) ઇર્ષા થવી. (૪) ઘેન ચડવું; મસ્ત બનવું. (૫) મહેરબાની ઊતરી જવી. ૧૯૯. આંખમાં આગળીઓ ઘાલવી = (૧) છેતરવું; ઠગવું. (૨) નજર ચુકાવવી; ઘૂતી ખાવું. ૨૦૦. આંખમાં આંજવું = (૧) કાજળ ઘાલવું. (૨) છેતરવું. (૩) પોતાના કરતાં રૂપગુણમાં કમી હોવાથી શરમીંદું પાડવું; ઝાંખું કરવું; પાણી ભરાવવું. ૨૦૧. આંખમાં કમળો તે જગત પીળું દેખે = જેવું પોતાનુ મન હોય તેવું બધાને જુએ. ૨૦૨. આંખમાં કમળો હોવો = (૧) અદેખાઈ આવવી. જ્યારે કોઈ માણસને બીજાના વાંક શોધ્યા કરવાનો સ્ભાવ પડી ગયો હોય ત્યારે તેવા માણસ માટે બોલતાં કહેવાય છે કે તેની આંખમાં કમળો છે. (૨) પક્ષપાતની નજરે જોવું. (૩) પોતાના જેવું બીજાને માનવું ૨૦૩.આંખમાં કરકર આવવી = ઇર્ષા થવી. ૨૦૪. આંખમાં કહેવું = આંખના ઇશારાથી જણાવવું. ૨૦૫. આંખમાં કૂવા પડવા = નબળાઈથી, બહુ ભૂખથી કે એવા કોઈ કારણથી આંખો ઊંડી પેસી જવી. ૨૦૬. આંખમાં ખટકવું = (૧) અદેખાઈ આવવી. (૨) દીઠે ન ગમવું. ૨૦૭. આંખમાં ખાર હોવો = અદેખાઈ આવવી. ૨૦૮. આંખમાં ખુન્નસ આવવી-ખૂન ભરાવું-ખૂન વરસવું = ગુસ્સે થવું. ૨૦૯. આંખમાં ખબવું-ચુભવું = આંખને આનંદ પમાડવો. ૨૧૦. આંખમાં ખૂન ઊતરવું = ક્રોધથી આંખ લાલ થવી; રીસ ચડવી. ૨૧૧. આંખમાં ખૂંચવું = (૧) અદેખાઈ આવવી. (૨) અદેખાઈ સાથે બીજાનું કંઈ લેવાની દાનત થવી. (૩) આડે આવવું; હરકત કરવી. (૪) કોઈ કંઈ લઈ કે કહી ગયો હોય તે ખટક્યા કરવું. ૨૧૨. આંખમાં ઘર કરવું = (૧) ઇનકાર જવું. (૨) ગમવું. (૩) છેતરવું. (૪) પોતાના મતને વળગી રહેવું. (૫) મોહ પમાડવું; ખુશ કરવું. ૨૧૩. આંખમાં ચકલાં રમવાં = ચંચળતા દેખાવી. ૨૧૪. આંખમાં ચરબી છાવી = (૧) આંખે પડળ ચડવા. (૨) ખબર ન હોવાનો ડોળ કરવો. (૩) ગર્વ, બેપરવાઈ કે અસાવધાનીને લીધે સામેની ચીજ ન દેખવી. (૪) જૂની ઓળખાણ ભૂલી જવાનો ઢોંગ કરવો. (૫) મદાંધ બનવું. ૨૧૫. આંખમાં જીવ-દમ આવવો = (૧) મરવાની અણી ઉપર હોવું. (૨) સજીવન થવું. (૩) સાજા થવું. ૨૧૬. આંખમાં ઝેર આવવું-ભરાવું = ઇર્ષા થવી. ૨૧૭. આંખમાં ઝેર વરસવુ-હોવું = બહુ ગુસ્સાથી આંખ લાલ થઈ જવી. ૨૧૮. આંખમાં તતડિયાં પડવાં = (૧) આંખમાં ઘણું દુ:ખ થવું; આંખો બળવી. (૨) દ્વેષભાવ હોવો. (૩) માઠું લાગવું. (૪) બીજાનું સારૂં જોઈ બળવું. ૨૧૯. આંખમાં ધૂળ નાખવી = ( આંખમાં ધૂળ જવાથી માણસ પોતાની આસપાસ શું બને છે તે જોઈ શકતું નથી તે ઉપરથી ) ભૂલથાપ આપવી; ચાસન છેતરવું. ૨૨૦. આંખમાં ન ઠરવું = પસંદ ન પડવું; નહિ ગમવું. ૨૨૧. આંખમાં પાણી આવવું = (૧) આંખો આંસુથી ભરાવી. (૨) હૈયું પીગળી જવું; દયાની લાગણીથી ગળગળું થવું. ૨૨૨. આંખમાં પિયા આવવા = ( આંખ દુ:ખે છે ત્યારે પિયા આવે છે તે ઉપરથી ) કોઈનું સારૂં ન જોઈ શકવું. ૨૨૩. આંખમાં ફરવું = કોઈના હૃદયમાં હમેશ વસવું. ૨૨૪. આંખમાં ફૂલું પડવું = (૧) અદેખાઈ આવવી. (૨) આંખની કીકી ઉપર છાલું થવું. ૨૨૫. આંખમાં ભમરીઓ રમવી = ચપળતાવાળી નજર હોવી. ખરાબ ચાલની સ્ત્રી માટે આ પ્રયોગ વપરાય છે. ૨૨૬. આંખમાં ભરાવું = (૧) આંખમાં ખૂંચવું. (૨) ઇર્ષાના કારણરૂપ હોવું. ૨૨૭. આંખમાં મરચાં નાખવાં = રિબાવવું; કનડવું; બૂમો પડાવવી. ૨૨૮. આંખમાં મરચાં લાગવાં = કનડવું. ૨૨૯. આંખમાં મીઠું = અદેખાઈ; ઈર્ષા. ૨૩૦. આંખમાં મીઠું આંજવું-નાખવું-નાખવું-ભરવું = (૧) આંખમાં મીઠું નાખ્યું હોય તેવી દશાએ પહોચાડવું; રિબાવવું; કનડવું. (૨) છેતરવું; ઠગવું; ભોળવી નાખવું; છાની વાત કહી દે તેમ કરવું; ખોટું સમજાવીને ફંદામા આણવું; ભુલથાપ આપી ફસાવવું. (૩) શરમીંદુ કરવું; ઝાંખુ કરવું; ઢાંકી નાખવું. (૪) હરાવવું; થકવવું; ઉતારી પાડવું. ૨૩૧. આંખમાં મીઠું પડવું = (૧) અદેખાઈથી બળવું. (૨) આંધળાં થજો એવો શાપ. જેમકે, અદેખાની આંખમા મીઠાં પડજો ૨૩૨. આંખમાં રજ સમાય તો હિસાબમાં પાઈ સમાય = સારો હિસાબ કરનાર પાઈ પણ જવા દેતો નથી. ૨૩૩. આંખમાં રાઈ = (૧) અદેખાઈ. (૨) ગુસ્સો. ૨૩૪. આંખમાં રાઈ આંજવી-નાખવી-ભરાવવી = (૧) આંખમા રાઈ લાગવાથી જેવું દુ:ખ થાય તેવું સામાનું સુખ જોઈ દુ:ખ થવું. (૨) પીડવું; સતાવવું. (૩) પોતા તરફ અદેખાઈ ઉશ્કેરવી. ૨૩૫. આંખમાં રાત કાપવી-લઈ જવી = ઉજાગરો કરીને રાત પસાર કરવી. ૨૩૬. આંખમાં લહેર આવવી = (૧) ઊંઘ કે નશાને લીધે આળસ ભરાવી. (૨) ઊંઘ, મંદ મંદ પવન કે નશાને લીધે આંખ જરા જરા મીંચાવા માંડવી. ૨૩૭. આંખમાં લોહી વરસવું = (૧) ક્રોધે ભરાવું; ગુસ્સે થવું; ક્રોધના લીધે આંખ લાલચોળ થઈ જવી. (૨) બહુ જ ઉશ્કેરાઈ જવું. ૨૩૮. આંખમાં લોહી વરસી રહેવું = બહુ જ ઉશ્કેરાયેલા હોવું; ખૂન કરવાની અણી ઉપર આવવું. ૨૩૯. આંખમાં શનિશ્વર હોવો = ( શનિશ્વર પોતાની વાંકી નજરથી જેને જુએ તેનું ખરાબ થાય એમ જ્યોતિષમાં છે એ ઉપરથી ) (૧) જેનું તેનું ખોટું કરવાની વૃત્તિ હોવી. (૨) દ્વેષ ને ઝેર હોવું. ૨૪૦. આંખમા સમાવું = (૧) ગમી જવું. (૨) હમેશા નજર આગળ રહેવું; ગુંથાઈ રહેવું. (૩) હૃદયમાં વસવું. ૨૪૧. આંખમાં સરસો ફૂલવાં = આનંદથી મસ્ત થવું. ૨૪૨. આંખમાં સલાઈ ફેરવવી = આંધળું કરવું; અંધ બનાવવું. ૨૪૩. આંખમાં સીલ ન હોવું. = (૧) ઉદ્ધત બનવું. (૨) ક્રૂર થવું; નિર્દય બનવું. (૩) બેશરમ થવું. ૨૪૪. આંખમાંથી કાળાં કાઢવા-કાઢી જવાં = (૧) સામે મોઢે કોઈને ઉપાડી જવું. (૨) સામો માણસ દેખતો હોય તેમ તેને લૂંટી લેવો. (૩) સામો માણસ દેખે પણ સમજી ન શકે એવી રીતે છેતરી જવું. ૨૪૫. આંખમાંથી તણખા ઝરવા = ગુસ્સાને લીધે આંખ લાલચોળ થવી. ૨૪૬. આંખમાંથી નીર ઢાળવું. = (૧) આંખમાં ખૂબ આંસુ લાવવાં. (૨) મરણની અણી ઉપર આવવું. ૨૪૭. આંખમાંથી ભાલા કાઢવા = (૧) કરડી નજરે જોવું; કાતરીઆં કાઢવાં. (૨) નયનબાણ ફેકવા. ૨૪૮. આંખે અંધારા આવવાં = (૧) તેજથી ઝંખાઈ જવું. (૨) બહુ ઊંચે કે બહુ ઊંડાણમાં જોવાથી બરાબર નજર ન પડવી. ઝામર રોગમાં તેમ જ મગજને ભ્રમ થવાથી, તડકે રખડવાથી, આંખને બહુ કસવાથી અને નબળાઈથી આંખે અંધારાં આવે. ૨૪૯. આંખે અંધારી બાંધવી = (૧) છેતરવું. (૨) ભાન જવું. (૩) વશ કરી લેવું. ૨૫૦. આંખે આંખ મળવી = (૧) ઊંઘ આવવી. (૨) એક નજર થવી. (૩) જાતે મળવું. (૪) પ્રેમથી એકબીજા તરફ જોવું. ૨૫૧. આંખે આંધળો પણ પૈસાનો પૂરો = જેને વિચાર કે પરીક્ષા ન હોય એવો શ્રીમંત માણસ; મૂર્ખ ધનવાન. ૨૫૨. આંખે ખાય અને મોંએ લજવાય = અશક્ય હોવું. ૨૫૩. આંખે ચડવું = (૧) અદેખાઈના કારણરૂપ થવું. (૨) ધ્યાન ખેંચવું. (૩) નજરે પડવું. (૪) પસંદ આવવું. (૫) પહેલું પકડાવું. ૨૫૪. આંખે ચાલવું = (૧) અનુકરણ કરવું; નકલ કરવી. (૨) કોઈ કહે તે પ્રમાણે વર્તવું. ૨૫૫. આંખે ચાલીને = ખુશીથી. ૨૫૬. આંખે જોયાનું ઝેર છે = ખરાબ વસ્તુ નજરે દેખાય ત્યારે તે તરફ અણગમો થાય. ૨૫૭. આંખે તળાવ-પાણિયારાં બાંધવાં = જરાજરામાં આંસુ પાડવાં. ૨૫૮. આંખે થવું = મહેરબાની ઊતરી જવી. ૨૫૯. આંખે દીઠું તે ખરૂં = નજરે જોયું હોય તે જ સાચું. ૨૬૦. આંખે દેખવું = (૧) કોઈના સ્વભાવનો અભ્યાસ કરવો. (૨) માનથી વર્તવું. ૨૬૧. આંખે પથ્થર જાવા = આંખ જડ જેવી થઈ જવી. ૨૬૨. આંખે પાટા બાંધવા = (૧) આંધળું કરુવું; કપડાથી બન્ને આંખો ઢાંકીને માથા પછવાડે ગાંઠ વાળવી કે જેથી કાંઈ દેખી ન શકાય. (૨) કાંઈ ન સુઝે એવી દશા થવી; અક્કલ કે સુધી જવી. (૩) ધ્યાન ન દેવું. (૪) ન દેખાય એવી રીતે આંખો મીંચવી. (૫) ભમાવવું; આડુંઅવળું સમજાવીને ફસાવવું; પેચમાં આણવું; ભોળવી નાખવું; વશ કરી લેવું. ૨૬૩. આંખે પાટા બાંધીને ફરવું = (૧) વગર સમજે કામ કરવું. (૨) વિચાર કર્યા વગર ફરવું. ૨૬૪. આંખે પાટા હોવા = (૧) અદેખાઈથી બળવું. (૨) આશ્ચર્ય પામવું. (૩) આંધળા થવું. ૨૬૫. આંખે ભવાં ચડાવવાં = (૧) ગુસ્સે થવું. (૨) મોઢું બગાડવું. (૩) ધિક્કારવું. ૨૬૬. આંખે લગાડવું. = પ્યાર કરવો. ૨૬૭. આંખે લગાડીને રાખવું = બહુ પ્રેમથી રાખવું; બહુ આદરસત્કારથી રાખવું. ૨૬૮. આંખે હોવું = (૧) ડાહ્યા થવું. (૨) મહેરબાની ન હોવી. (૩) સુધીમાં આવવું. ૨૬૯. આંખેથી પાટા છોડવા = ગયેલી સુધી પાછી આણવી; બુદ્ધિપૂર્વક વિચાર કરવો. ૨૭૦. આંખો અવળી થવી = (૧) તદૃન અશક્ત થઈ જવું. (૨) બેસુધ થવું. ૨૭૧. આંખો ઊંચી કરાવવી. = (૧) અધીરાઈ કરાવવી. (૨) બહુ સંતાપવું. ૨૭૨. આંખો ઊંચી ચડી જવી-જતી રહેવી = (૧) ક્રોધ આવવો. (૨) ગર્વનો ઊભરો આવવો; મગરૂરી ધરવી. ૨૭૩. આંખો ઓડે જવી = (૧) બહુ મહેનત પડવી. (૨) મિજાજ ફાટી જવો; મગરૂરીમાં ડૂલવું. ૨૭૪. આંખો ટાઢી થવી = શાંતિ થવી; સંતોષ થવો; ઇચ્છા પૂરી પડવી. ૨૭૫. આંખો ચોળીને રહેવું = (૧) પસ્તાવો કરવો. (૨) હારી થાકીને બેસવું. ૨૭૬. આંખો તળે ન લાવવું = તુચ્છ સમજવું. ૨૭૭. આંખો તારવી નાખવી = (૧) આંખોને અશાંત બનાવીને બેસુધ કરવું. (૨) ઘણો માર મારીને બેસુધ કરી નાખવું. ૨૭૮. આંખો ધરતી ખોતરે = આંખ નીચી ઢળીને કેમ જાણે ભોંય ખોદતી હોય એટલી બધી શરમ પામવી. ૨૭૯. આંખો ધોયેલ = શરમાવેલ. ૨૮૦. આંખો નિગાળવી = આંસુ સારવાં. ૨૮૧. આંખો પાછી જવી = (૧) બહુ નબળું પડી જવું. (૨) મગરૂર થવું; ગર્વ આવવો. ૨૮૨. આંખો ફૂટે ત્યાં પાંપણ ક્યાં રડશે ? = અસંભવિત બાબત. ૨૮૩. આંખો બોચીએ જવી = (૧) છેક અશક્ત થઈ જવું. (૨) મગરૂર થઈ રહેવું. ઉદ્ધત બનવું. (૩) વિસ્મિત થવું; અજાયબી પામવું. ૨૮૪. આંખો મીંચીએ તો સદા અંધારૂં = એક વખત બેદરકાર રહીએ તો સદાને માટે ભોગવવું પડે. ૨૮૫. આંખો મીંચીને = (૧) ઉતાવળે; જલદીથી. (૨) ધ્યાન ધરીએ; નિશ્ચય કરીને. (૩) વગર વિચાર. ૨૮૬. આંખો મીંચીને વિચાર કરવો = શાંતિથી અને એકાગ્ર ચિત્તથી વિચાર કરવો. ૨૮૭. આંખો વઢવી = એક બીજાનું બોલ્યું કે મોં જોવું ન ગમવું; અણબનાવ હોવો. ૨૮૮. આંખોથી ઊતરવું = નીચા ઠરવું. ૨૮૯. આંખોથી કામ કરવું = (૧) ઇશારાથી કામ કરવું. (૨) કાળજી રાખી જોવું. (૩) બહુ પ્રેમ કે ભક્તિથી કામ કરવું. ૨૯૦. આંખોની આગળ અંધારૂં છવાવું = મૂર્ચ્છા આવવી. ૨૯૧. આંખોની આગળ અંધારૂ થવું = (૧) વિપત્તિ કે દુ:ખને વખત ઉદાસીન બનવું. (૨) સંસાર અસાર દેખાવો. ૨૯૨. આંખોની ઠંડક = બહુ પ્યારી ચીજ. ૨૯૩. આંખોની સામે હોવું = સન્મુખ હોવું. ૨૯૪. આંખોની સોય કાઢવી = કોઈ કામનો કઠણ અને ઝાઝો ભાગ બીજા માણસ મારફતે પૂરો થયા બાદ તેનો બાકીનો કે થોડો અને સરલ ભાગ પૂરો કરી પૂરૂં ફળ લેવોનો ઉદ્યોગ કરવો. આ સંબંધી એવી વાત છે કે એક રાજન્યાનો વિવાહ વનમાં એક મરેલ માણસ સાથે થયો. તેના આખા શરીરમાં સોયો ઘોંચેલી હતી. રાજકન્યા હમેશા બેસીને તે કાઢ્યા કરતી અને તેની દાસી આ જોયા કરતી. એક દિવસ રાજકન્યા ક્યાંય બહાર ગઈ હતી. દાસીએ જોયુ કે મડદાના આખા શરીરની સોયો નીકળી ચૂકી હતી, માત્ર આંખોની બાકી રહી હતી. તે તેણે કાઢી લીધી અને તેમ કરતાં તે મરેલ માણસ બેઠો થયો. દાસીએ પોતાને તેની પરણેતર હોવાનું જણાવ્યું અને જ્યારે રાજકન્યા આવી ત્યારે તેના દાસી તરીકે ઓળખાવી. ઘણા દિવસ સુધી આ પ્રમાણે તે દાસી રાણી તરીકે રહી. પણ પાછળથી બધીવાત ખુલ્લી થઈ ગઈ અને રાજકન્યાના દિવસ ફર્યા. ૨૯૫. આંખોમાં બેસવું = (૧) પ્રેમથી જાળવવું. (૨) સાવધાનીથી રાખવું. ૨૯૭. ઉનીંદી આંખ = નિદ્રાભરી આંખ ઊંઘ આવવાનાં લક્ષણ દેખાડનારી આંખ. ૨૯૮. ઊડીને આંખે બાઝવું-વળગવું = ઘણુ ભભકાદાર હોવું; નજરને ગમે એવું હોવું. ૨૯૯. ઊડીને આંખે બાઝે એવું = (૧) નાજુક; કોમળ. (૨) મન હરી લે એવું. ૩૦૦. એક આંખમાં હસાવવું અને બીજી આંખમા રડાવવું = પ્રેમ અને ભય રાખવાં. ૩૦૧. એક આંખમાંથી શ્રાવણ અને બીજીમાંથી ભાદરવો = બહુ આંસુ વહેવાં; શ્રાવણ અને ભાદરવા માસમાં જેમ વરસાદ પડે તેમ આંખમાંથી આંસુ પડવાં. ૩૦૨. એકલી આંખે-નરી આંખે = ખુલ્લી આંખે; ચશ્માં કે દૂરબીન વગરની આંખે. ૩૦૩. કરડી આંખે જોવું = (૧)અણગમો બતાવવો. (૨) ક્રોધથી જોવું. ૩૦૪. કંજી આંખ = માંજરી આંખ ૩૦૫. કંટીલી આંખ = મોહક આંખ. ૩૦૬. કાણી આંખે જોવું = આડી આંખે જોવું. ૩૦૭. ખારીલી આંખે જોવું = અદેખાઈ આવવી. ૩૦૮. ચંચળ આંખ = જુવાનીના ઉમંગથી સ્થિર ન રહેનારી આંખ. ૩૦૯. ચાર આંખ કરવી = મળવું. ૩૧૦. ચાર આંખ થવી = (૧) સહન ન કરી શકવું. (૨) સામસામું જોવું. ૩૧૧. ચાર આંખ મળવી = રૂબરૂ મળવું મળવું. ૩૧૨. ચોર આંખ = જેના ઉપર નજર નાખી હોય તેને તેની ખબર ન પડે એવી આંખ. ૩૧૩. ઝીણી આંખે જોવું = બારીકાઈથી તપાસવું. ૩૧૪. ઝેરીલી આંખો = મારી નાખવાનો ઇરાદો સૂચવતી આંખો. ૩૧૫. ધોળી ફક આંખ થવી = ફિક્કી આંખ હોવી. ૩૧૬. ફાટી આંખે જોવું-ફરવું = મદોન્મત્ત; છકી જવું. ૩૧૭. ફૂટી આંખનો તારો = એકનો એક દીકરો; ખોટનો છોકરો. ૩૧૮. બારે આંખો ઉઘાડવી = પૂર જોમમાં પ્રકાશવું; આંખો અંજાઈ જાય તેમ પ્રકાશવું. ૩૧૯. બીજાની આંખે જોવું = કહ્યા પ્રમાણે દોરાવું. ૩૨૦. બે આંખની શરમ = (૧) નજર સામે હોય ત્યાંસુધી ઓળખાણ. (૨) નજરથી બહાર જાય એટલે ભૂલી જવાપણું. ૩૨૧. બે આંખો જોઈને ચાલવું = બધી બાબતનો વિચાર કરીને ડહાપણથી કામ કરવું. ૩૨૨. મીઠી આંખે જોવું =હેતથી જોવું. ૩૨૩. શેરડીની આંખ = શેરડીના કાતળી ઉપરનો પીલો. આવી આંખ કે પીલાવાળી કાતળી વાવવાથી શેરડી ઊગે છે. ૩૨૪. સારી આંખ હોવી = રહેમ નજર હોવી. Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો