શનિવાર, 30 ઑગસ્ટ, 2014

ભડલી વાકયો

ભારતના લોકસાહિત્યમાં ભડલીનાં વાક્ય બહુ જાણીતાં છે. લોકકવિ તથા જનતાના જ્યોતિષીતરીકે માત્ર ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાન,ઉત્તર પ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ જાણીતું છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનો સંબંધ છે. ભડલી આ ખેડૂત જનતાનો માનીતો જોષી છે. તેની વરસાદની આગાહીઓ ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેથી કહેવતો ખેડૂતોને કંઠે ચઢી અમર બની છે. વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચાર-છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો પડશે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. એ આગાહીમાં ખેડૂતો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ભડલીવાક્યોને આધારે વર્ષમાં ક્યો પાક થશે કે નહિ થાય તેની વિચારણા ખેડૂતો અગાઉથી કરે છે. ભડલી કોણ હતા ? વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. ગુજરાતમાં મારવાડના જોશી ઉધડ(હુદડ)નું નામ ખૂબ લોકજીભે ચઢેલું છે. આ ઉધડ જોશીએ ગુર્જરેશ્વર સિદ્ધરાજને સિદ્ધપુર (શ્રીસ્થળ)માં તેણે બંધાવેલા રુદ્રમહાલય (રુદ્રમાળ)નું ખાતમુહૂર્ત કાઢી આપ્યું હતું તેવી દંતકથા પ્રચલિત છે. શેષનાગના માથા ઉપર ખીંટી વાગે તેવું મુહૂર્ત ઉધડ જોશીએ રાજાને આપેલું હતું. પણ બીજા ઈર્ષાળુ બ્રાહ્મણોની શીખવણીથી રાજાએ ખાતમુહૂર્તની ખીંટી શેષનાગના માથે વાગી છે કે નહિ તેની ખાતરી કરી આપવા ઉધડજોશીને આગ્રહ કર્યો. રાજાનો અતિ આગ્રહ જોઈ ઉધડ જોશીએ ખાતમુહૂર્તની ધરતીમાં ખોડેલી ખીંટી ખેંચવાનું રાજાને કહ્યું. ખીંટી ખેંચતા જ ધરતીમાંથી લોહીની ધારા ફૂટી. આ ચમત્કાર જોઈ રાજા તથા બીજા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. નારાજ થયેલા ઉધડે રાજાને ખીંટી ફરી ધરતીમાં દાબી દેવાનું કહ્યું. રાજાએ તે પ્રમાણે ખીંટી પુન: દબાવી દીધી પણ શેષનાગ આગળ સરકી જવાથી તે ખીંટી શેષનાગના માથાને બદલે પૂંછડી પર બેઠી. આ રીતે રાજાની હઠથી જોશીએ આપેલું શ્રેષ્ઠ મુહૂર્ત હાથથી ગયું અને તેથી રુદ્રમાળનો વિધર્મીઓને હાથે નાશ થયો. આ ઉધડ (હુદડ) જોશીની એકની એક પુત્રીનું નામ ભડલી હતું એવી લોકમાન્યતા છે. ભડલી અને ઉધડ બેઉ ઘેટાં-બકરાં ચરાવતાં અને વનમાં રખડતાં. તે બેઉને આકાશના રંગ, વાદળ, વાયુ, મેઘધનુષ, વૃષ્ટિ, વીજળી વગેરે પ્રકૃતિની લીલાના ફેરફારોનું અવલોકન-અભ્યાસ કરવામાં ખૂબ રસ પડતો. એ અભ્યાસને પરિણામે પિતા-પુત્રીવર્ષાની આગાહીઓના દોહરા-ચોપાઈ રચી લલકારવા લાગ્યાં અને તે જનતામાં પ્રચાર પામ્યાં. ઉત્તરપ્રદેશની દંતકથા : ઉત્તર પ્રદેશની જનતામાં પ્રચલિત દંતકથા પ્રમાણે ભડલીના પિતા કાશીના પંડિત (જોશી) અને માતા આહીરાણી હતી. કાશીમાં રહેલા એક જોશીને એક વખતે એવું સરસ મુહૂર્ત જડી આવ્યું કે તે મુહૂર્તમાં ગર્ભાધાન થાય તો ત્રિકાલજ્ઞાની પુત્ર પેદા થાય. આથી જોશી આ મુહૂર્તનો લાભ ઉઠાવવા માટે કાશીથી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા. પણ એમનું ગામ દૂર હતું. મુહૂર્ત વીતી જતા પહેલાં પોતે ઘેર નહિ પહોંચી શકે એમ જોશીને લાગ્યું. તે નિરાશ થઈને સાંજ પડતાં એક ગામમાં થાક ખાવા માટે બેઠા. નજીકમાં એક આહિરનું ઘર હતું. તેની યુવાન કન્યાએ તેમની ખાવાપીવાની વ્યવસ્થા કરી. બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહીરાણીએ તેનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી. તે સાંભળી આહીરાણીએ પોતે જ તે મુહૂર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી. પરિણામે ગર્ભાધાન થયું અને આહીરાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો. તે જ પુત્ર ભડલી નામે ઓળખાયો. ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી. ત્યાં પાંચેક વર્ષનો થયો. તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો. તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્વાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા. ગ્રહબળ જોઈ જોશીઓને કહ્યું : ‘બાળક દુરાચારી થશે અને તેને લીધે તેનાં માતાપિતા ઉપર બહુ આફત આવશે.’ બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું. પછી દાસીઓ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી. તે વખતે ભીંત ઉપર કાંઈક લખેલું જણાયું. એક ભણેલી દાસીએ વાચ્યું. તેમાં આ પ્રમાણે લખ્યું હતું : ‘આ બાળક બહુ ભાગ્યશાળી થશે. સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહિ.’ આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ જાતે આવી ભીંત ઉપરનું આ લખાણ વાંચ્યું. તેને બહુ નવાઈ લાગી. બહુ તપાસ કરતાં ખબર પડી કે, બાળક ભડલીએ આ લખ્યુ હતું. રાજાએ તેને બોલાવી પૂછતાં તેણે તે લખ્યાનું કબૂલ કર્યું. રાજાએ કહ્યું : ‘બાળક, તું નાદાન છે. તારી લખેલ વાત ખોટી છે. એ બાળક તો મરી ગયો.’ ભડલીએ કહ્યું : ‘ખોટી વાત છે. એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી.’ રાજાએ કહ્યું : ‘એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ?’ ભડલીએ હિંમતથી કહ્યું : ‘આપને જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો.’ પછી બાળકની તપાસ કરવામાં આવી. રાજાના સેવકોએ જઈ જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો ત્યાં જ હાથપગ હલાવી રમતો હતો. એક નાગ તેની ચોતરફ કૂંડાળું વાળી ચોકી કરતો હતો. નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો. આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો. રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા. તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ સન્માન કરવા લાગ્યો. રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્યકથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું : ‘જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી. બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો, તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું હતું.’ આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા. આ પ્રકારની જુદી જુદી દંતકથાઓ ઇતિહાસમાં મળે છે. Dhansukh Jethava

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો