સોમવાર, 4 ડિસેમ્બર, 2017

આહિર નોડાજી ડાંગરના એક થી એક મોટા પરાક્રમો

"અકબરના દરબારમાં સિંહને ફાડી નાખનાર આહિર નોડાજી ડાંગરના એક થી એક મોટા પરાક્રમો જરૂર થી જાણજો" 

----------------//------//------------------

અંદાજે ચારેક સદીઓ ઉપરના સમયની વાત છે જ્યારે દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું.કચ્છમાં એ સમયે રાવ દેશળનું રાજ તપતું હતું.રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ,વફાદાર અને દેશળના દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર.રાવ દેશળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું…!નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ વિના નોડો પણ ડગ ના માંડે.

નોડો ડાંગર આહિર કુળનો હતો.મુળ તો એ મોરબી પાસેના વાડાછડા ગામનો વતની.પણ કચ્છના રાવ દેશળના દરબારમાં ફરજ બજાવતો.આહિરોની વફાદારીની તો ઘણીયે વાતો છે.આહિરનો આશરો અને આહિરની નમકહલાલીની વાતો ગુર્જરવાડના ગૌરવસમાન છે.

દુનિયા જાકારા દીયે અને રાખે નઇ ઘરમાં રાણ,
એને માથા હાટે મુલવે આ તો આહિર તણાં એંધાણ !

એકવાર રાવ દેશળ પોતાનો કાફલો લઇને દિલ્હીની મુલાકાતે ગયાં.સાથે નોડો ડાંગર પણ હતો.દિલ્હીમાં કચ્છે ઉતારો લીધો.અને રાવ દેશળ દિલ્હી જોવા લાગ્યા,અકબરનું દિલ્હી !ઘણા દિવસો વીત્યા.દિલ્હીની બજારે બજારોની ધુળ કચ્છી માઢુઓએ પારખી લીધી.

એક દિવસની વાત છે.સાંજ ઢળી રહી હતી.ઉંચા મિનારાઓ સૂર્યના છેલ્લા કિરણોને તગતગાવીને પાછા ફેંકતા હતાં.એવે ટાણે નોડો ડાંગર દિલ્હીની બજારમાં એક વાણિયાની દુકાને બેઠો છે.મોં પર સોરથની ધરતીનું તેજ આભા બનીને ઉભરી રહ્યું છે.ધારદાર મુછોના થોભિયામાં હવે તો સફેદ વાળોએ પણ દેખા દિધી છે.કડિયું અને ધોતીનો સફેદવર્ણો પહેરવેશ શોભી રહ્યો છે.દિલ્હીના અમીરોનો ભવ્ય ઠાઠ જોતો નોડો ડાંગર ઉદાસીન નજરે બેઠો છે.હવે દિલ્હીમાં કોઇ હિંદુ બચ્ચો પહોંચી શકે એમ નહોતો.કોની તાકાત હતી કે હવે દિલ્હી પર કબજો જમાવી શકે ? હાં,હતો એક મેવાડમાં.પણ એ પણ એકતા માટે વલખતો…!આમ,નોડો ડાંગર વિચાર કરે છે ત્યાં એક બ્રાહ્મણ વણિકની દુકાને આવ્યો.

બ્રાહ્મણ ઉદાસીન અને ખિન્ન જણાતો હતો.વણિક અને બ્રાહ્મણ વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી.એનો અવાજ બહાર બેઠેલા નોડા ડાંગર સુધી પહોંચ્યો :

“હવે મર્દાનગી મરી પરવારી છે ધરતી ઉપરથી !નહિં તો આજે એક બ્રાહ્મણ ઉપર આવું અઘટિત ન ગુજરે.”

“કેમ ભૂદેવ શું થયું છે?” વણિકે પૂછ્યું.

બ્રાહ્મણ ખિન્ન થયો.એના ચહેરા પર ગુસ્સો અને લાચારી સ્પષ્ટ જણાઇ આવતા હતાં.”અરે ! મારી દિકરીને આજ રાતે દિલ્લીના કાફરો લઇ જવાના છે.બાદશાહનો પેલો દિપડા જેવો હલકો સેનાપતિ અયુબખાન ! એને…એને મારી દિકરી જોઇએ છે !” અને બ્રાહ્મણની આંખમાંથી એક આંસું ખરી પડ્યું.નોડાને લાગ્યું કે ગમે તે થાય આ ભૂદેવ માટે બનતું કરી છૂટવું.

બ્રાહ્મણે ધા નાખી : “આજે ભારતમાં કોઇ ક્ષત્રિય જીવતો નથી લાગતો ને જીવે છે તો અકબરનો કુતરો બનીને…!નકર કોની તાકાત છે કે ક્ષત્રિયનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બ્રાહ્મણ સામે કોઇ આંખ ઉંચી કરી શકે ?”

હવે નોડાથી ના રહેવાયું.એ બ્રાહ્મણ પાસે ગયો અને બોલી ઉઠ્યો -“ભૂદેવ ! ચિંતા ના કરો.આ ધરતી ઉપર બધાં ક્ષત્રિય મરી નખી પરવાર્યાં.હજી અમુક જીવે છે હોં ! મારી જાનને સાટે પણ હું તમારી દિકરી પર એ કાફરનો હાથ નહિ પડવા દઉં.”

રાત્રિના બાર વાગ્યા પછીનો સમય હતો.દિલ્હીની બજારો સુમસામ થઇ ગઇ હતી.એવે ટાણે દક્ષિણ તરફની એક નાનકડી શેરીમાં ચાર-પાંચ ઓળા ઉતર્યાં.એક કદાવર ઓછાયો બધાંની મોખરે ચાલતો હતો.એ હતો – અયુબખાન ! બ્રાહ્મણના ઘર તરફ ધીમી ચાલે બધાં જવા લાગ્યા.અને પછી એની પાછળ એકદમ ચુપકીદીથી શેરીમાં વળી એક માણસ દેખાયો.ગુપ્ત પહેરવેશમાં દેખાતો આ માણસ કુતુહલથી અને સાવચેતીથી પેલાં માણસો ક્યાં જાય છે એ જોતો એની પાછળ ચાલ્યો.

અયુબખાન બ્રાહ્મણના ઘર આગળ પહોંચ્યો.અને બારણું ખટખટાવ્યું.બરાબર એ જ વખતે ઘરના ટોડલા પાછળથી એક સ્ત્રી બહાર આવી.અયુબખાન ભડક્યો.”કોણ છે?” અયુબે અવાજ માર્યો.સામેથી પણ એ જ પ્રશ્ન અથડાયો,”તું કોણ છે અડધી રાતે ગમે તેના બારણા ભટકાવનારો ?”આ બાઇની આટલી હિંમત જોઇને અયુબખાન ધુંધવાયો.એણે કમરે રહેલી તલવાર પર હાથ નાખ્યો.અને તલવાર ખેંચે એ પહેલાં જ સામેથી તલવારનો જનોઇવઢ ઝાટકો પડ્યો અને અયુબખાનનું માથું ધડથી અલગ થઇ ગયું.

ચુપાઇને આ ઘટના જોઇ રહેલો અકબર હવે તરત બહાર આવ્યો.એને ખાતરી થઇ ગઇ કે,આવો જોરાવર ઘા કરનાર અ માણસ સ્ત્રીના વેશમાં છૂપાયેલો મરદ જ હોય શકે ! એણે પૂછ્યું,”કોણ છો?”સામેથી જવાબ મળ્યો,”નોડો ડાંગર ! રાવ દેશળનો માણસ છું.અને તમારા રાજમાં જો કોઇ બેન-દિકરીની આબરૂને મથે આવા કાફરો હાથ નાખે તો એની આ હાલત કરવાનું કામ હતું એટલે આવ્યો હતો.”

અકબર નોડા ડાંગરની આ વિરતા જોઇ અભિભૂત થઇ ગયો.અને એ સાથે પોતાના રાજમાં આવા કાળા કામો કરનારા સેનાપતિ છે એનો પણ એને ખ્યાલ આવ્યો.

“કચ્છ ક્યારે જવાના છો?”

“બસ,આવતી કાલે.”

“રાવ દેશળને કે’જે કે’ જતી વખતે મને મળતા જાય.”અકબર બોલી રહ્યો.

બીજે દિવસે ભર દરબારમાં અકબરની વિદાય લેવા માટે રાવ દેશળ આવ્યા.

“પાદશાહ ! ઘણો આનંદ કર્યો દિલ્હીમાં.હવે જતી વેળાં અમે અપને કાંઇક બક્ષીસ આપવા માંગીએ છીએ.માંગો શહેનશાહ !”રાવ દેશળે અકબરને કહ્યું.

“એમ ? આપશો”

“હાં,વચનબધ્ધતા અમારા લોહીમાં છે શહેનશાહ ! માંગી લો.”

“તો નોડા ડાંગરને આપતા જાઓ,રાવ !”

વચન એટલે વચન.શું થાય ?રાવે નોડાને અકબરની ફરજમાં રહેવા કહ્યું.માલિકના હુકમનો નોડાએ અનાદર ના કર્યો.નોડો દિલ્હીના દરબારમાં રહ્યો.

* * * *

“એલાં ! આ ગાયને આમ મારો છો કાં ? ક્યાં લઇ જાવ છો ?કોણે કહ્યું તમને ?”નોડાએ બજારે બેઠાં-બેઠાં પાદશાહના કસાઇઓને ગાયને દોરી જતાં જોયા.આજે ઇદ હતી અને ગીતા જયંતિ પણ હતી !

“આજ ઇદ હૈ ઔર ગાય કી બલિ ચડાની હૈ.પાદશાહ કા હુકમ હૈ.”

ગાયની બલિ ચડાવવાની વાત સાંભળી ફડક કરતાંકને નોડાના રૂંવાડા બેઠા થઇ ગયાં.દિલ્હીમાં એની વગ પણ વધી હતી.એણે તલવાર તાણીને રાડ નાખી :

“ખબરદાર !જો ગાયને કોણે હાથ લગાડ્યો છે તો.મુકી દો એને.મુકી દો કહું છું.બાદશાહ જે કહે તે પણ હું તો હમણાં જ તમને મારી નાખીશ.”અને કસાઇ નોડાનું વિકરાળ રૂપ જોઇને ગાયનો અછોડો મૂકી ગયાં.



સૈનિકોએ જઇને અકબરને કહ્યું.અકબરને લાગ્યું કે,હવે આ એના દૂધ પર જાય છે ! એણે નોડાને ભરકચેરીમાં બોલાવ્યો અને કહ્યું કે,હવે ગાયનું નહિ તો તારું બલિદાન આપીને આ પાંજરામાં રહેલા સિંહને ધરવ !નોડાએ અકબરની વાત કબુલ કરી.પાંજરામાં વિકરાળ અને ભૂખ્યો કેસરી આંટા દઇ રહ્યો હતો.એની મારી ખાવાની ખૂની ત્રાડો બધાના હૈયામાં ફડક પેઠાડે તેવી હતી.

“નોડા !તલવાર ના લઇ જતો હોં ! એની પાસે હથિયાર નથી.”અકબરે વ્યંગ કર્યો.

નોડાએ અકબર સામે જોયું અને તલવારનો જમીન પર ઘા કર્યો.માથે બાંધેલ ફાળિયાનો ડુચો વાળી મોઢામાં નાખ્યો.હકડેઠાઠ ભરાયેલી કચેરી આ જવામર્દને જોઇ રહી.છૂટા વાળ હવામાં લહેરાવા લાગ્યા અને હવે નોડો પૃથ્વીપતી મુંજ સમો ભાસવા લાગ્યો.એણે પાંજરામાં ડગ માંડ્યા.સિંહે ડણક નાખીને એના પર તરાપ મારી.નોડાને હેઠે નાખીને સિંહ માથે ચડી બેઠો.અને વિકરાળ મુખ ફાડી સિંહ નોડાન હડપ કરવા જાય એ પહેલાં નોડાએ અદમ્ય બળ વાપરી સિંહને દુર હડસેલી દીધો.તુમુલ યુધ્ધ જામ્યું.ફરીવાર સિંહે તરાપ મારી અને વિજળીક વેગે નોડાએ પોતાના કળિયાને ચીરી એમાંથી નાનકડો કાંતો લઇ લીધો.સિંહે ફરીવાર નોડાને પછાડ્યો.આ વખતે નોડાએ હાથમાં રહેલા કાંતાના પલક એકમાં દસેક ઘા સિંહની ગરદન પર કરી દીધાં.સિંહનો પ્રાણ નીકળી ગયો.અને લોહીથી લથબથ કાયા સાથે કાળભૈરવ સમો ભાસતો નોડો વિજયી ઉન્માદ સાથે પાંજરામાંથી બહાર આવ્યો.કચેરી અવાક્ બની ગઇ.ઘડીભર અકબર પણ થડકી ગયો.ભાન આવતા એ નોડાની વિરતા પર ઓવારી ગયો.

“વાહ ! નોડા ! વાહ….આજે કોઇ શબ્દ નથી તારી મર્દાનગીને વખાણવા માટે.માંગ માંગ જે જોઇએ તે માંગી લે.આજે દિલ્હી પતિ અકબર તને કહે છે,માંગી લે નોડા.”

“માંગવાનું તો એટલું જ પાદશાહ ! કે મને ફરી મારા ધણી રાવ દેશળ પાસે મોકલી આપો.”નોડાને હવે રાજમાં રહેવું નહોતું.

નોડો ડાંગર કચ્છ જવા ઉપડ્યો અને અકબરે પાછળથી રાવ દેશળને સંદેશો મોકલ્યો કે,મારી એક વિનંતી માન્ય રાખજો.મોરબી પાસેના બાર ગામ નોડા ડાંગરના નામે કરી દેજો.અને રાવ દેશળે પછી ત્રાંબાના પતરા પર લેખ કોતરાવી નોડા ડાંગરને મોરબીના બાર ગામ બક્ષિસમાં આપેલા.એ લેખ હમણાં સુધી અસ્તિત્વમાં હતો,હવે એના પરના અક્ષરો ભૂંસાય ગયાં છે.આઝાદી સુધી એનો ગરાસ નોડા ડાંગરના વંશજો ખાતા હતાં